ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા નજીક અંકલેશ્વર-અંબાજી રૂટની એક ST બસ રસ્તા પરના એક મોટા ખાડામાં અચાનક ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે બસના આગળના ભાગને નુકસાન થયું હતું અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બસ ઊંડા ખાડામાં ફસાઈ જતાં મુસાફરો થોડા સમય માટે ભયભીત થયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી.
માલસર બ્રિજથી વડિયા મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. ખરાબ રસ્તાના કારણે ST બસ સહિત અન્ય વાહનચાલકોને અવારનવાર અકસ્માત અને વાહનોને નુકસાન વેઠવું પડે છે.
બિસ્માર રસ્તાઓને કારણે મુસાફરોને થતી અસુવિધા અને વારંવાર બનતી આવી ઘટનાઓ અંગે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

