ભરૂચની સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ વિભાગના માનવીય અભિગમને કારણે મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના ૫૫ વર્ષીય વૃદ્ધાનું ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ તેમના પરિવાર સાથે ભાવુક પુનર્મિલન થયું છે. વર્ષ ૨૦૨૨માં માનસિક અસ્થિરતાને કારણે ઘરેથી ગુમ થયેલા આ વૃદ્ધા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર પાસેથી અજાણી હાલતમાં મળી આવ્યા હતા, જેમને સેવાયજ્ઞ સમિતિએ આશ્રય આપી અનાથ વૃદ્ધાશ્રમમાં સ્થાન આપ્યું હતું.

વૃદ્ધા માત્ર મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સમજતા હોવાથી શરૂઆતમાં વતનની વિગતો મેળવવી મુશ્કેલ હતી. જોકે, તાજેતરમાં સંસ્થાના સ્વયંસેવક પાયલ ગાંધી અને હિમાંશુ પરીખના સતત પ્રયાસો તથા પોલીસની ત્વરિત તપાસથી તેમના પુત્ર અને જમાઈનો સંપર્ક શક્ય બન્યો હતો. પોતાના સ્વજનને જીવિત અને સુરક્ષિત જોઈ પરિવારજનોની આંખો હર્ષના આંસુથી છલકાઈ ઉઠી હતી. સેવાયજ્ઞ સમિતિની આ સેવાકીય પ્રવૃત્તિને સમગ્ર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે. ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી વૃદ્ધાને તેમના પરિવારને સોંપ્યા હતા.
