ભરૂચના શેરપુરા ગામે એક ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ મોબાઈલ ટાવરથી ફેલાતા રેડિયેશનના કારણે તેમના સ્વાસ્થ્યને ગંભીર ખતરો છે અને ભવિષ્યમાં જીવલેણ બીમારીઓ થવાની શક્યતા છે.
આશરે ૪૦૦ ચોરસ ફૂટ જગ્યામાં ૩૦ મીટર ઊંચો ટાવર બનાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આ ટાવર બનાવવા માટે ગ્રામ પંચાયતની એન.ઓ.સી. (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) કે આસપાસના રહીશોની સંમતિ લેવામાં આવી નથી. આ ઉપરાંત, બિનખેતીની પરવાનગી પણ લેવામાં આવી નથી.
ગ્રામજનોએ તાત્કાલિક આ કામગીરી બંધ કરાવવા માટે તંત્રને રજૂઆત કરી છે અને માંગ કરી છે કે લોકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકતી આ કામગીરી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. આ વિરોધના પગલે હાલ ટાવરનું કામ અટકાવવામાં આવ્યું છે.

