ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં થયેલા એક પ્રચંડ બ્લાસ્ટ અંગે કંપનીના દાવા અને પોલીસ રિપોર્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. કંપની મેનેજમેન્ટે આ ઘટનાને માત્ર એક ટ્રકના ટાયર ફાટવા જેવી સામાન્ય ઘટના ગણાવી હતી, પરંતુ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અને ઇજાગ્રસ્ત કર્મચારીઓના નિવેદનોએ કંપનીના આ દાવાને ખોટો સાબિત કર્યો છે.

મંગળવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે લગભગ ૬:૩૦ વાગ્યે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે આસપાસના ગામો સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ કર્મચારીઓ, અમાન, સાહિલ ઉસ્માન ઘાંચી, અને સિધ્ધાર્થસિંઘ તેજપાલસિંહ ગહરવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી સિધ્ધાર્થસિંઘની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ, કંપનીના એચ.આર. મેનેજર મનીષ સિટુતે દાવો કર્યો હતો કે કોઈ બ્લાસ્ટ થયો નથી, પરંતુ માત્ર એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એક કર્મચારી ટાંકી પરથી નીચે પડતાં સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયો છે. જોકે, આ દાવા પર અનેક સવાલો ઉઠ્યા હતા, કારણ કે ટ્રકના ટાયર ફાટવાનો અવાજ આટલે દૂર સુધી સંભળાય તે તદ્દન અશક્ય છે.
પરંતુ, વાગરા પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓએ આપેલી જાહેરાતથી સાચી હકીકત સામે આવી છે. પોલીસ રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના કંપનીના ક્લોર આલ્કલિક પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરિક એસિડ (HCL) ટેન્ક ફાટવાને કારણે સર્જાઈ હતી. ઇજાગ્રસ્ત કામદારોએ જણાવ્યું કે તેઓ ટેન્કનું મેન્ટેનન્સ કામ કરી રહ્યા હતા ત્યારે જ આ બ્લાસ્ટ થયો. આ ઘટનામાં સિદ્ધાર્થસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય બે કામદારોને ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
આ સમગ્ર ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપનીએ સુરક્ષાની ગંભીર બેદરકારી દાખવી છે અને સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. ભૂતકાળમાં પણ આ કંપનીમાં આવી જ દુર્ઘટનાઓ બની ચૂકી છે, જે કંપનીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

