ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. જય આદિવાસી સેના દ્વારા ઝઘડિયા ચોકડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રકૃતિ પૂજન અને ધરતી વંદનાથી શરૂઆત કરવામાં આવી હતી.

આદિવાસી સમાજના સભ્યોએ પોતાના પરંપરાગત પોશાકમાં અને જય આદિવાસી સેનાના ગણવેશમાં ક્રાંતિકારી બિરસા મુંડા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ, ઝઘડિયા ચોકડીથી મામલતદાર કચેરી સુધી આદિવાસી અધિકાર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વાલિયા લિગ્નાઈટ પ્રોજેક્ટ (GMDC) રદ કરવાની માગણી કરવાનો હતો. આદિવાસી સમાજનો ભય છે કે આ પ્રોજેક્ટને કારણે અનેક મૂળ નિવાસી પરિવારોનું વિસ્થાપન થઈ શકે છે. જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ આદિવાસી અધિકાર દિવસનું મહત્વ સમજાવ્યું અને સમાજને તેના હક્કો માટે જાગૃત રહેવા અપીલ કરી હતી. જાહેર રજા હોવાને કારણે આવેદનપત્ર 15 સપ્ટેમ્બરના રોજ મામલતદાર કચેરીમાં સુપરત કરવામાં આવશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

