ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) ની ટીમે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાલીયા-નેત્રંગ રોડ પરથી ગેરકાયદેસર રીતે હેઝાર્ડસ વેસ્ટનો નિકાલ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ~ 7,00,009/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ‘એ-વન કેમિકલ કંપની’માંથી એક હાઈવા ટ્રક નંબર- GJ-06-AX-5577 માં શંકાસ્પદ કાળા રંગનો વેસ્ટ ભરીને નેત્રંગ તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વાલીયા-નેત્રંગ રોડ પર બાપા સીતારામ મંદિર સામે વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત વર્ણનવાળી ટ્રકને અટકાવી હતી.

વાલીયા પોલીસ સ્ટેશને લાવીને ટ્રકની તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં વાદળી અને કાળા રંગનો ઓઈલી સોલીડ વેસ્ટ તેમજ ફ્લાયએશ ભરેલો મળી આવ્યો હતો. ટ્રકના ડ્રાઈવર પાસે આ વેસ્ટના વહન અંગે કોઈ બિલ કે પુરાવા ન હોવાથી જી.પી.સી.બી.ના અધિકારીઓને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
પોલીસે ટ્રકમાં ભરેલો 7.2 ટન હેઝાર્ડસ વેસ્ટ (અંદાજિત કિંમત ~ 9,000/-) અને હાઈવા ટ્રક (કિંમત ~ 7,00,000/-) સહિત કુલ ~ 7,00,009/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે બે ઈસમો (1) ગણેશભાઈ મહેશભાઈ વસાવા (ઉ.વ. 28) અને (2) મનોજભાઈ મનસુખભાઈ વસાવા (ઉ.વ. 28), બંને રહે. વાડી ગામ, તા. ઉમરવાડા, જિ. સુરતને અટક કર્યા છે.બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ એલ.સી.બી. ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે.

