ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આમોદ ખાતે ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટાનો પર્દાફાશ કરી એક આરોપીને ₹21,200/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની T-20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો.
ભરૂચ LCB ની ટીમ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન તેમને બાતમી મળી કે જંબુસરનો સલીમ બસીર શેખ, સોમા હોટલ પાસે ક્રિકેટ મેચ પર રનફેર લાઇવ સ્કોરના આધારે હારજીતનો સટ્ટો રમાડી રહ્યો છે.
બાતમીના આધારે, LCB ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી સલીમ બસીર શેખ (રહે. ભરૂચી ભાગોળ, જંબુસર) ને રંગેહાથ ઝડપી પાડ્યો. તેની પાસેથી રોકડા રૂપિયા અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹21,200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં અન્ય બે આરોપીઓ, મુરાદ (રહે. ડભોઇ) અને અંકિત (રહે. માસાર રોડ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમોદ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


