લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ભરૂચ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ભાગરૂપે કરવામાં આવેલા સઘન પ્રયાસોના પરિણામે એક મોટી સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ, LCBની ટીમે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા હરીદ્વાર સોસાયટીમાં એક નિર્માણાધીન મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એ. તુવરની ટીમને બાતમી મળી હતી કે કુખ્યાત બુટલેગર નરેશ કિશન કહારના નિર્માણાધીન મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે, ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રેઇડ દરમિયાન, મકાનના બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ૧૦૧ બોક્સ મળી આવ્યા હતા, જેમાં ૨૪૨૪ બિયર ટીનનો સમાવેશ થાય છે. આ જપ્ત થયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹૫,૩૩,૨૮૦/- અંદાજવામાં આવી છે.
જોકે, દરોડા દરમિયાન બુટલેગર નરેશ કિશન કહાર (રહે. દાંડિયા બજાર, ભરૂચ, હાલ રહે. ચાવજ, ભરૂચ) હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ ગણનાપાત્ર કેસ શોધી કાઢી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


