ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફર્લો જંપ કરનાર એક કેદીને પલસાણા, સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ મહંમદ જુનેદ ગુલામભાઈ ફકીર (રહે. કોંઢ, તા. વાલીયા, જિ. ભરૂચ) છે, જેને વાલીયા કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ પાંચ કેસમાં દોષી ઠેરવી ૧૦ વર્ષની સાદી કેદ અને રૂ. ૧.૧૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરોપી એપ્રિલ ૨૦૨૫માં ૧૪ દિવસની ફર્લો રજા પર છૂટ્યો હતો, પરંતુ ૧૫ મે, ૨૦૨૫ના રોજ જેલમાં પરત હાજર થયો ન હતો. આ અંગે વાલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ભરૂચ LCBની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી પલસાણાની એક હોટલમાં કામ કરી રહ્યો છે. LCBની ટીમે તાત્કાલિક પલસાણા જઈને વેલકમ હોટેલમાંથી આરોપી મહંમદ જુનેદને ઝડપી પાડ્યો હતો.
આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાલીયા પોલીસને સોંપવામાં આવ્યો છે.


