ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સુરતના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને સગીર બાળકી સાથે ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં ફરાર અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત LCB PSI આર.કે. ટોરાણીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, મૂળ વાલીયા તાલુકાના કોંઢ ખાખરી ફળિયાનો રહેવાસી આરોપી વિજય ઉર્ફે ફાઉલ રણજીતભાઇ વસાવા (ઉંમર 23) અંકલેશ્વરના ઉમરવાડા હનુમાન ફળિયામાં તેના બનેવીના ઘરે સંતાયેલો હતો.
આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી વિજય વસાવાને ભોગ બનનાર સગીર બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 363 અને 366 હેઠળ ગુનો નોંધાયેલો હતો. LCB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને માંડવી પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી છે. ભરૂચ LCBની આ કામગીરી પ્રશંસનીય રહી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


