ભરૂચ સી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ભોલાવ જી.આઈ.ડી.સી. ફેઝ-૧ માંથી વિદેશી દારૂના કટિંગનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેડ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ ₹૯.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમી મુજબ, ઇમરાન પટેલ નામનો શખ્સ સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરી રહ્યો હતો. આ માહિતી મળતા જ પોલીસે ભોલાવ જી.આઈ.ડી.સી. સ્થિત જી.એન.એફ.સી. પ્લાન્ટના બહારના પાર્કિંગમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, એક સ્વિફ્ટ કાર અને અન્ય એક કાર વચ્ચે દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, તે સમયે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ₹૧.૮૩ લાખની કિંમતની વિદેશી દારૂની ૧૪૧ બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત, દારૂના હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બે કાર સહિત કુલ ₹૯.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં વાગરા તાલુકાના રહાડ ગામના ઈમરાન મહોમદ અને હર્ષદકુમાર કાંતિલાલ વાળંદની ધરપકડ કરી છે.
આ મામલામાં પોલીસે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


