ભરૂચ જિલ્લામાં “No Drugs in Bharuch Campaign” હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. ભરૂચ તાલુકા પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ₹૧.૭૦ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ઝાલા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે કેલોદ ગામની સીમમાં એક પોલ્ટ્રી ફાર્મમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ૨૮ વર્ષીય અરવિંદ સાહેબસિંહ ગૌડ (રહેવાસી: નાદીયા ગામ, મધ્ય પ્રદેશ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના ૧૦ લીલા છોડ મળીને કુલ ₹૧,૬૯,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અરવિંદ ગૌડ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


