ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રૂ. ૨૩ કરોડના ખર્ચે બની રહેલા ફોર-લેન રોડનું કામ ગુણવત્તાના નામે મજાક બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ માર્ગના અધૂરા કામમાં માટીના પુરાણને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચાળણીનો કચરો વાપરીને નાગરિકોના પૈસાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિએ તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના એક લેનનું કામ બાકી છે, જેમાં ગટર તોડીને માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. નિયમ મુજબ, આ જગ્યાએ માટીનું પુરાણ થવું જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટરે માટીના અભાવનું બહાનું કાઢીને ગમે ત્યાંથી રેતી ચાળણીનો કચરો લાવીને અહીં પૂરી દીધો છે. આ ગેરવહીવટ સ્પષ્ટ સંકેત આપે છે કે ૨૩ કરોડના ખર્ચે બનનારા આ રોડનો પાયો જ કાચો હશે, તો ભવિષ્યમાં તેની મજબૂતાઈ કેટલી હશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ કોન્ટ્રાક્ટરનો ઇતિહાસ પણ શંકાસ્પદ છે. અગાઉ, તવરા ગામના મુખ્ય માર્ગ પર રોડ બનાવવાની આડમાં ગામની મોટી મોટી ભેખડો તોડીને લાખો રૂપિયાની માટી ગાયબ કરી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોની મદદથી આ માટી ક્યાં વગે કરી દેવામાં આવી, તે હવે તપાસનો વિષય બન્યો છે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને સ્થાનિક લોકોની સાંઠગાંઠ હોવાનો પણ ગંભીર આરોપ છે. માટીના રૂપિયા કોના ખિસ્સામાં ગયા તે અંગે તંત્રએ તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ.
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ કામગીરી હજી પણ અધૂરી હાલતમાં છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની અધૂરી કામગીરીને કારણે ધૂળની ડમરીઓ અને અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને આ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવો ભય સ્થાનિકોમાં પ્રવર્તી રહ્યો છે. તંત્ર માથા પરથી ભાર ઉતારવા માટે આડેધડ કામ કરી રહ્યું છે, જેના કારણે નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહેલા તવરા જેવા ગામોમાં વિકાસના નામે કૌભાંડ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે તંત્રએ તાત્કાલિક દખલગીરી કરીને ઊચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવી જોઈએ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી સરકારી પૈસાનો દુરુપયોગ અટકી શકે અને પ્રજાને ગુણવત્તાસભર રોડ મળી રહે. આ ગંભીર પરિસ્થિતિને ઉકેલવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે. સૌ પ્રથમ, સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ હાથ ધરી તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આ ઉપરાંત, અધૂરા કામની ગુણવત્તાની તટસ્થ ત્રીજા પક્ષ દ્વારા ચકાસણી કરાવવી અને જ્યાં રેતીનો કચરો નાખવામાં આવ્યો છે ત્યાંથી તેને હટાવીને યોગ્ય માટીનું પુરાણ કરાવવું જરૂરી છે. ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય તે માટે વિકાસના કામો પર સતત દેખરેખ રાખવા માટે એક પારદર્શક સિસ્ટમ ઊભી કરવી જોઈએ, જેથી સરકારી નાણાનો સદુપયોગ થાય અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે. આ પગલાં માત્ર વર્તમાન સમસ્યાનો ઉકેલ જ નહીં, પરંતુ ભરૂચના ભવિષ્યના વિકાસ માટે પણ એક મજબૂત પાયો નાખશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


