ભરૂચ શહેરની હિતેશનગર સોસાયટીમાં એક નિવૃત્ત કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 3.88 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. મકાન માલિક પરિવાર સાથે બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી ચોરોએ આ ગુનાને અંજામ આપ્યો હતો.
મકાન માલિક, અનિલ ગાંધી, શ્રીજીની સ્થાપના નિમિત્તે તેમના પુત્ર અને પુત્રવધૂ પાસે વડોદરા ગયા હતા. તેમણે પોતાના મકાનની ચાવી સામે રહેતા પડોશીને આપી હતી. આ દરમિયાન, બપોરે લગભગ બે વાગ્યે પડોશીને મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો હોવાની જાણ થઈ. તાત્કાલિક તેમણે અનિલ ગાંધીને ફોન પર જાણ કરી હતી.
જાણ થતા જ અનિલ ગાંધી વડોદરાથી તાત્કાલિક ભરૂચ પરત ફર્યા હતા. ઘરમાં પ્રવેશતા જ તેમણે જોયું કે અંદરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરની ત્રણ તિજોરીઓ તૂટેલી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરો રોકડ અને દાગીના સહિત કુલ 3.88 લાખ રૂપિયાની મત્તા લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ.એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાથી સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા



