ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) હેઠળ નોંધાયેલા એક ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ટીમને બાતમી મળી હતી કે મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી સની યાદવ (રહે. સરાય ભડી, પોસ્ટ-ખરીહાની, આઝમગઢ, ઉત્તર પ્રદેશ) હાલ દહેજ જી.આઈ.ડી.સી.માં હાજર છે.
બાતમી મળતા જ SOGની ટીમે તાત્કાલિક દહેજ જી.આઈ.ડી.સી. ખાતે જઈ તપાસ હાથ ધરી હતી. ત્યાં આરોપીના નામ-ઠામની ખાતરી કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો અને ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ તેની વિધિવત ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીને આગળની વધુ તપાસ માટે મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.


