ઉત્તરાયણ પર્વે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા ભરૂચ જિલ્લા ફૂડ વિભાગે છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ અને અંકલેશ્વરના શક્તિનાથ, ઝાડેશ્વર અને નર્મદા માર્કેટ સહિતના વિસ્તારોમાં ૩૦ જેટલી દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરી ૧૯ શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો નમૂના ફેલ જશે તો વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.

ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે ચીકી કે ગોળ ખરીદતી વખતે કૃત્રિમ રંગ, હાઇડ્રો પાવડરની હાજરી કે શંકાસ્પદ વાસ પ્રત્યે સાવધ રહેવું. જો કોઈ ભેળસેળ જણાય તો ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1800-11-2100 અથવા 1915 પર ફરિયાદ નોંધાવી શકે છે. ખરીદી સમયે પાકું બિલ લેવું અને પેકિંગની વિગતો તપાસવી હિતાવહ છે. તંત્રની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

