ભરૂચ જિલ્લાની ઉમલ્લા પોલીસે બાતમીના આધારે રાયસીંગપુરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ રાયસીંગપુરા ઉપરાંત ત્રણ માસ અગાઉ વાઘપુરા ગામે કરેલી ચોરીની પણ કબૂલાત કરી છે. પોલીસે બંને ગુનામાં ગયેલા સોના-ચાંદીના તમામ દાગીના કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ગત ૧ જાન્યુઆરીના રોજ રાયસીંગપુરાના ગીતાબેન વસાવાના બંધ ઘરમાં ચોરી થઈ હતી. ઉમલ્લા પોલીસે શંકાના આધારે સ્થાનિક યુવક કેતન વિનોદ વસાવાની અટકાયત કરી તેના ઘરની ઝડતી લેતા ચોરીના ચાંદીના સાંકળા મળી આવ્યા હતા. આરોપીની ઉલટતપાસ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે લાકડા કાપવાનું કામ કરે છે અને તે દરમિયાન નજીકમાં કોઈ બંધ ઘર દેખાય તો તેના પાછળના દરવાજેથી પ્રવેશી તિજોરી તોડી દાગીના ચોરી લેતો હતો. આ જ રીતે તેણે ત્રણ માસ અગાઉ વાઘપુરા ગામે રાજેશભાઈ વસાવાના ઘરે પણ હાથફેરો કર્યો હતો. ઉમલ્લા પોલીસે ૨૫ વર્ષીય આરોપી કેતન વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી ચોરીનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે.

