ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા વિશે માહિતી આપી હતી.

પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને ચીફ સેક્રેટરી, કૃષિ વિભાગ અને તમામ જિલ્લાના કલેક્ટર, DDO, મામલતદાર, તલાટી અને ગ્રામસેવકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામકાજ પૂર્ણ કરવું અને તુરંત જ રાજ્ય સરકારને અહેવાલ મોકલવો.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઊભી છે. આ માટે તમામ સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતોની મદદ માટે ખડેપગે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

