ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ. કે.એમ. વાઘેલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશ વસાવાએ રક્તદાનનું મહત્વ સમજાવી લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી. ઉમલ્લાના પી.આઈ. કે.એમ. વાઘેલાએ રક્તદાન સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે પ્રયાસ કર્યો અને પોતે રક્તદાન કરીને અન્ય લોકોને પ્રેરણા આપી હતી.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આયોજકોએ જણાવ્યું કે, રક્તદાન દ્વારા એકત્ર થયેલું રક્ત અકસ્માત અને કટોકટીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓ માટે અત્યંત ઉપયોગી થશે. આ પ્રકારના સમાજસેવાનાં કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ફૈઝ યંગ સર્કલના યુવાનો અને યુવતીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

