ભરૂચ શહેર અને દહેજ બાયપાસ રોડ પર વકરી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈને ક્રેડાઇ (CREDAI) ભરૂચના પ્રમુખ નિશિધ અગ્રવાલ સહિતના સભ્યોએ રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડેડિયાપાડા ખાતેના કાર્યક્રમ સંદર્ભે ઉપ મુખ્યમંત્રીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, તે દરમિયાન ક્રેડાઇના પ્રતિનિધિ મંડળે તેમનો સંપર્ક કર્યો હતો. ક્રેડાઇના સભ્યોએ ટ્રાફિકની સમસ્યાથી તેમના વ્યવસાય પર થતી નકારાત્મક અસરો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. પ્રમુખ નિશિધ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉપ મુખ્યમંત્રીએ તેમના પ્રશ્નો અંગે ધ્યાન દોર્યું છે અને વધુ ચર્ચા માટે ટીમને ગાંધીનગર મુલાકાત લેવા માટે જણાવ્યું છે. આ મુલાકાત આગામી સમયમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે આશા જગાવે છે.
