ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના 24 વર્ષીય યુવાન અંકિત વસંતભાઈ પ્રજાપતિએ સંયમ અને વૈરાગ્યનો માર્ગ અપનાવી જૈન દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અંકિત પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને તેમણે જૈન ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થાને કારણે દીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

અંકિતકુમાર 13 નવેમ્બરના રોજ મુંબઈના જુહુ સ્કીમ ખાતે રાજપ્રતિબોધક, પદ્મભૂષણ વિભૂષિત શ્રીમદ્ આચાર્ય વિજયરત્નસુંદર મહારાજ સાહેબના પવિત્ર હસ્તે દીક્ષા ગ્રહણ કરશે.
દીક્ષા પૂર્વે, નેત્રંગ જૈન સંઘ દ્વારા મુમુક્ષુ અંકિતકુમારનો ભવ્ય વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે નેત્રંગના મુખ્ય વિસ્તારોમાં ફર્યો હતો. જીનબજાર સ્થિત જૈન દેરાસર ખાતે આયોજિત વિદાય સમારંભમાં સમગ્ર જૈન સમાજ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુમુક્ષુને શુભેચ્છાઓ પાઠવી હતી.

