ભરૂચના બંબુસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાવરગ્રીડ તથા જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતોએ બળવો પોકાર્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે, તંત્ર દ્વારા કોઈપણ લેખિત નોટિસ આપ્યા વિના કે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ સીધું જમીનમાં કામ શરૂ કરી દેવાયું છે. કલેક્ટર કચેરીમાં અસરગ્રસ્તોને સાંભળ્યા વિના જ એકતરફી (Ex-parte) હુકમો પસાર કરવામાં આવતા ન્યાયપ્રક્રિયા સામે પણ સવાલો ઉઠ્યા છે.

આક્રમક બનેલા ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે, કેટલાક કિસ્સાઓમાં વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અહેવાલો રજૂ કરીને સત્તાધીશોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. “અમે વિકાસના વિરોધી નથી, પણ ખેડૂતોના હક્કોના ભોગે આ અન્યાય સાંખી લેવાય નહીં,” તેમ જણાવતા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વળતર અને સંમતિની પારદર્શક પ્રક્રિયા નહીં અપનાવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તંત્રની આ એકતરફી નીતિ સામે અત્યારે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
