ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઇવે ૪૮ પર મુલદ ટોલ પ્લાઝા પરથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક મહિલા બૂટલેગરને ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. ૧,૮૮,૫૭૫/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશનનો કેસ શોધી કાઢ્યો છે.

LCB ટીમને બાતમી મળતા મુલદ ટોલનાકા પાસે આવેલ વજન કાંટા પાસે ઊભેલી મહિલાને મહિલા પોલીસ સાથે રાખી કોર્ડન કરી તપાસ કરી હતી. મહિલા પાસે રાખેલા કાપડના ત્રણેય મોટા બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૪૪૬ બોટલ મળી આવી હતી.
પકડાયેલ આરોપીની ઓળખ સુરતના ડીંડોલી, ઉધના ખાતે રહેતી શીતલબેન સુનીલભાઇ રાયગુડે તરીકે થઈ છે. મહિલાએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે આ વિદેશી દારૂ વાપી-વલસાડથી ભરીને ભરૂચ ખાતે આપવા માટે આવી હતી. પોલીસે દારૂ, મોબાઈલ સહિત કુલ રૂ. ૧,૮૮,૫૭૫/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ રાકેશભાઈ (રહે. વાપી) અને સુનીતાબેન (રહે. ચાવજ, ભરૂચ) ની શોધખોળ ચાલુ છે.
