માત્ર 20 વર્ષીય ભરૂચના દેવ અગ્રવાલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ઇન્ટરમીડીએટની પરીક્ષામાં શાનદાર સફળતા મેળવીને સમગ્ર દેશમાં 33મો ક્રમ હાંસલ કર્યો છે. દેવે 600માંથી 443 ગુણ પ્રાપ્ત કરીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.દેવે જણાવ્યું હતું કે તેણે ધોરણ-10માં જ CA બનવાનું લક્ષ્ય નક્કી કરી લીધું હતું અને વિજ્ઞાન પ્રવાહના બદલે આ દિશામાં સખત મહેનત શરૂ કરી હતી. ધોરણ-12થી જ તેણે CAના ક્લાસિસ શરૂ કરી દીધા હતા અને દરરોજ 10થી 12 કલાક અભ્યાસ માટે ફાળવતો હતો.

માતા-પિતાના સંપૂર્ણ સહયોગથી, દેવે સપ્ટેમ્બર 2024માં CA ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ 400માંથી 314 ગુણ સાથે પાસ કરી હતી. CA ઇન્ટરમીડીએટમાં આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને તેણે પોતાની મહેનતને સાર્થક કરી છે. દેવે યુવાનોને રસના વિષયમાં જ આગળ વધવાની પ્રેરણા આપી હતી.
