ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા અને વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું રાજકીય ઘર્ષણ હવે વ્યક્તિગત આક્ષેપો અને બદનક્ષીની ધમકીઓ સુધી પહોંચી જતાં રાજકારણ ગરમાયું છે.

ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક ગંભીર જાહેર આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં, જો સાંસદ પોતાના નિવેદનો પાછા નહીં ખેંચે તો તેમની સામે બદનક્ષીનો કાયદેસરનો દાવો કરવાની ખુલ્લી ધમકી પણ આપી હતી.
આ ધમકીના જવાબમાં, સનસાદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું અને એક આક્રમક નિવેદન આપીને વળતો પ્રહાર કર્યો. સાંસદ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે “દર્શના દેશમુખે આક્ષેપ કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે.”
સાંસદે ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાના નિવેદનો પર અડગ છે અને તેઓ કોઈની ધમકીથી ડરવાના નથી. આ મામલો હવે પક્ષના આંતરિક વિખવાદ તરીકે ઉભરી આવ્યો છે.
આ સમગ્ર શાબ્દિક યુદ્ધનું મૂળ સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે.
સાંસદ મનસુખ વસાવાએ અગાઉ કેટલાક સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સંભાવનાઓ અને ગેરરીતિઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ દ્વારા સાંસદના આ નિવેદનોનો વિરોધ કરવામાં આવ્યો અને તેમણે તેના જવાબમાં સાંસદ પર આકરા આક્ષેપો કર્યા હતા.
ભ્રષ્ટાચારના મુદ્દે શરૂ થયેલો આ રાજકીય વિવાદ હવે વ્યક્તિગત બદનક્ષીના આક્ષેપો સુધી પહોંચી ગયો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારનો આંતરિક સંઘર્ષ શાસક પક્ષ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે અને હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્થાનિક સ્તરે આ ઘટનાને કારણે બન્ને નેતાઓના સમર્થકો વચ્ચે પણ તણાવ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : ભરૂચ
ભરત મિસ્ત્રી

