BHARUCH : વાગરા : ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ટ્રકના ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ, પોલીસ રિપોર્ટથી કંપનીનો પર્દાફાશ! કંપનીનો ઢાંકપિછોડાનો પ્રયાસ?

0
72
meetarticle

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી જાણીતી કંપની બિરલા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારના રોજ થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. આ ઘટનામાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે, આ ગંભીર દુર્ઘટના બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવાનો અને ઢાંકપિછોડો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેણે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે કંપનીના વિરોધાભાસી દાવાઓ અને ઇજાગ્રસ્ત કર્મચારીઓએ પોલીસને આપેલી જાહેરાત વચ્ચે સત્ય અને જૂઠાણાની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મંગળવારે સાંજે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં થયેલા બ્લાસ્ટનો અવાજ એટલો શક્તિશાળી હતો કે તે આસપાસના અરગામાં અને વિલાયત ગામો સુધી સંભળાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકો અને કર્મચારીઓમાં ગભરાહટ ફેલાયો હતો. મીડિયા અહેવાલો અનુસાર કંપનીના એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અહેવાલમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓના નામ પણ સામે આવ્યા હતા. જેમાં સરનાર ગામનો અમાન, સાહિલ ઉસ્માન ઘાંચી, અને સિધ્ધાર્થસિંઘ તેજપાલસિંહ ગહરવાર. આ પૈકી સિધ્ધાર્થસિંઘની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક ભરૂચ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. જોકે આ ગંભીર ઘટના બાદ જ્યારે કંપનીના એચ.આર. મેનેજર મનીષ સિટુતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક તદ્દન અલગ જ કહાની રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો કે કોઈ બ્લાસ્ટ થયો જ નથી. તેમના મતે કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. જેના અવાજને લોકોએ બ્લાસ્ટ માની લીધો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું, કે એક કર્મચારી ટાંકી પરથી નીચે પડી જવાથી તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. કંપનીનો આ દાવો તદ્દન અવિશ્વસનીય અને વાસ્તવિકતાથી દૂર જણાઈ રહ્યો છે. એક ટ્રકના ટાયર ફાટવાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાય તે વાત કોઈના ગળે ઉતરે તેવી નથી.

કંપનીના ઢાંકપિછોડાના પ્રયાસો છતાં ઇજાગ્રસ્ત કર્મચારીઓએ વાગરા પોલીસ સ્ટેશનમાં આપેલી જાહેરાતથી સત્ય સામે આવ્યું છે. પોલીસ ચોપડે નોંધાયેલી જાહેરાત મુજબ આ દુર્ઘટના ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે બની હતી. આ જાહેરાત અનુસાર કંપનીના ક્લોર આલ્કલિક પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરિક એસિડ (HCL) ટેન્ક ફાટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસને આપેલી જાહેરાતમાં ઇજાગ્રસ્ત કામદારો સાહિલ ઉસ્માન ઘાંચી અને સાહિલનાઓએ જણાવ્યું હતું, કે તેઓ HCL ટેન્કનું મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મોટો ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે સિદ્ધાર્થસિંહના બંને પગ, જમણા હાથ, ચહેરા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અને તેઓ દાઝી ગયા હતા. આ ઉપરાંત જાહેરાત આપનાર અમાન અને સાહિલ ઘાંચીને પણ ગેસ લાગવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પોલીસ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના છે. અને કંપનીનો ખુલાસો માત્ર સત્યને છુપાવવાનો એક નિષ્ફળ પ્રયાસ છે. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં સલામતીને લઈને આ પહેલો કિસ્સો નથી. લગભગ એક વર્ષ પહેલાં પણ આ જ કંપનીમાં ફાઈબર ડક્ટમાં આગ ફાટી નીકળી હતી. જેને કાબૂમાં લેવા માટે અન્ય કંપનીઓના ફાયર ટેન્ડરોની મદદ લેવી પડી હતી. આવી વારંવાર બનતી ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કર્મચારીઓ સતત જોખમ હેઠળ કામ કરી રહ્યા છે. આ ઘટનાઓ કંપનીની સલામતી પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ સમગ્ર મામલામાં મીડિયાના અહેવાલો અને ઇજાગ્રસ્તોએ પોલીસને આપેલી જાહેરાત વચ્ચે સામ્યતા જોવા મળી રહી છે. જ્યારે કંપનીનું નિવેદન તદ્દન વિપરીત છે. આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે. જો આવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી નહીં થાય તો કંપનીઓ કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકીને કામ કરતી રહેશે. અને આવી દુર્ઘટનાઓ ફરીથી બનતી રહેશે. આ એક એવો મુદ્દો છે. જ્યાં માત્ર ખુલાસા નહીં પરંતુ જવાબદેહી અને કડક પગલાંની આવશ્યકતા છે.


રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here