ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ અને આમોદ ગામ નજીક આવેલી કબીર ટેક્સોફેબ કંપનીમાં રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.

આગની જાણ થતાં જ ત્રણ જેટલા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આ બનાવની જાણ થતાં હાંસોટના મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગંભીર આગ લાગવા છતાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હાંસોટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

