ભાવનગર જિલ્લાના કુંભારવાડ વિસ્તારમાં આવેલી એક શાળામાં 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રજૂ કરાયેલી એક સાંસ્કૃતિક કૃતિ “ઓપરેશન સિંદૂર” વિવાદમાં સપડાઈ છે. આ કૃતિમાં વિદ્યાર્થિનીઓને બુરખો પહેરાવીને આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ મુસ્લિમ સમાજે આ ઘટનાની સખત નિંદા કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
આ કૃતિમાં બે વિદ્યાર્થિનીઓને કાળો બુરખો પહેરાવીને હાથમાં બંદૂક આપવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સંસ્થાઓએ તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. ભરૂચમાં પણ આ ઘટનાનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ભરૂચના જાગૃત મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું કે, “બુરખો પહેરેલી દીકરીઓને આતંકવાદી તરીકે રજૂ કરવું એ અત્યંત અસહ્ય અને દુઃખદ છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, છતાં શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા આવી અયોગ્ય કૃતિ રજૂ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.”
કામઠીએ વધુમાં જણાવ્યું કે આ ઘટના માટે જવાબદાર શાળાના શિક્ષકો અને આચાર્ય સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને તેમણે સમગ્ર મુસ્લિમ સમાજની માફી માંગવી જોઈએ. ભરૂચ જિલ્લાનો સમગ્ર મુસ્લિમ સમાજ આ મુદ્દે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને સત્તાવાર રજૂઆત કરશે. આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.


