ભાવનગર મહાનગરપાલિકાએ તરસમિયા ખારસી વિસ્તારમાં આવાસ ભાડે આપવાના ચાલતા મસમોટા નેટવર્ક પર તંત્રએ દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ફાળવવામાં આવેલા મકાનોનો ધંધાદારી ઉપયોગ કરનારા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક અભિગમ અપનાવ્યો છે. તરસમિયા-ખારસી વિસ્તારમાં આવાસ ભાડે આપવાના ચાલતા મસમોટા નેટવર્ક પર તંત્રએ દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
મનપાની ટીમ દ્વારા તરસમિયા ખારસી વિસ્તારની આવાસ યોજનામાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્વેમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે.કુલ 92 આવાસ માલિકોનો સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે દરમિયાન જાણવા મળ્યું કે 33 મકાનોમાં મૂળ લાભાર્થીઓને બદલે અન્ય લોકો (ભાડુઆતો) વસવાટ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો મુજબ, લાભાર્થી પોતાનું આવાસ કોઈને ભાડે આપી શકતો નથી કે વેચી શકતો નથી.

મનપાના આવાસ વિભાગે આ મામલે તુરંત એક્શન લેતા માલિકો અને ભાડુઆતો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તમામ 33 આવાસના માલિકો અને ત્યાં રહેતા ભાડુઆતોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 7 દિવસની અંદર આ મકાનો ખાલી કરી દેવાના રહેશે.જો નિયત સમય મર્યાદામાં આવાસ ખાલી કરવામાં નહીં આવે, તો મનપા દ્વારા તે મકાનોને સીલ મારવાની અને લાભાર્થીની ફાળવણી રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
