દિહોર પંથકમાં ખેતીવાડી કનેક્શનમાં વીજળીના કાયમી ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સમયસર વીજ પ્રવાહ ન મળતો હોવાથી પાકને નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.

તળાજા તાલુકાના દિહોર અને સમઢિયાળા સહિતના ગામોમાં હાલ ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોએ મગફળી, જુવાર, તલ જેવા પાકો કાઢીને નવી ડુંગળી વાવવા જમીન અને લીલા રોપ તૈયાર કર્યા છે. રોપ વાવ્યા પછી તરત પાણીની જરૂર પડે છે. પરંતુ વીજ તંત્ર દ્વારા ખેતીવાડી લાઈનમાં રિપેરીંગના બહાને વીજકાપ ઝીંકી દેવામાં આવતા ડુંગળીના લીલા રોપ સુકાઈ જવાની અણીએ છે. મોંઘા ભાવના ખાતર અને બિયારણ એળે જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઝરમર વરસાદના કારણે મગફળી, બાજરી અને તલના પાકને ભારે નુકશાની થઈ હતી. હવે વીજ ધાંધિયાને કારણે પાકોને પિયતનું પાણી ન આપી શકાતા ખેડૂતો માટે ‘પડયાં પર પાટું’ જેવો ઘાટ ઘડાયો છે. ત્યારે દિહોર પંથકના ગામડાઓમાં સમયસર અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવું ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

