ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી આકસ્મિક મોટા કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે ૨૦૭૯ કનેકશનોમાંથી ૧૪૨માં ૮૩.૯૦ લાખની ગેરરીતિ સામે આવી હતી.

ધંધુકા અને ધોલેરા તાલુકામાં વીજ કંપની દ્વારા અચાનક અને સઘન ચેકિંગ હાથ ધરતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. એકસાથે અનેક ટીમો ઉતારીને કરાયેલી કાર્યવાહી દરમિયાન ૮૩.૯૦ લાખ રૂપિયાની વીજચોરી સામે આવી હતી. તપાસમાં ૧૪૨ વીજ કનેકશનમાં ગેરરીતિ હોવાનું સ્પષ્ટ થયું હતું. વીજ કંપનીએ કોઇ પૂર્વ સૂચના વિના ૪૦થી વધુ વાહનોના કાફલા સાથે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી હતી. ટીમોએ ઘરેલું તેમજ વ્યાવસાયિક કનેકશનોની વિગતવાર તપાસ કરી હતી. આ દરમિયાન ૨૦૭૯ કનેકશનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટી સંખ્યામાં કનેકશનો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું બહાર આવ્યું. રોજકા, પીપળ, તગડી, જીંજર, ભલગામડા, આકરું, સાંઢીડા, રતનપુર, મીંગલપુર, ઝાંખી, ખરડ અને કોઠડીયા સહિતના ગામોમાં ચાલેલી આ કાર્યવાહીથી વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

