શહેરના નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર શ્રી સરકારમાં બોલતી જમીન પર લાંબા સમયથી દબાણ હતું જેને ખુલ્લુ કરાવવા છેલ્લા નવ માસથી કવાયત શરૂ હતી જ્યારે ટ્રીબ્યુનલના ચુકાદામાં મનાઈ હુકમ નહીં આપતા અંતીમ નોટીસની મુદત પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાખીના ખોફ વચ્ચે આજે સવારથી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને મામલતદાર દ્વારા ડીમોલેશન હાથ ધરાયું હતું અને નાના-મોટા બાંધકામો પર બુલડોઝર ફેરવી ૩૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.મળતી વિગતો મુજબ શહેરના નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર સરકાર હસ્તકની જમીન પર ૨૭ આસામીઓએ ગેરકાયદે કબ્જો કરી જમીન પર કાચા-પાકા બાંધકામ કરી વર્ષોથી વાણીજ્યહેતુ માટે અનઅધિકૃત ઉપયોગ કરતા હતા. સરકાર હસ્તકની જમીનમાંથી લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ની જોગવાીઓ અને ઠરાવોની રૂએ જિલ્લા કલેકટરને અધિકાર હોય ૧૪ ઓગસ્ટથી હુકમ કરાયો હતો જેને લઈ સીટી સર્વે સીટી મામલતદાર દ્વારા દબાણ દુર કરવા અને પક્ષકારોને આધારો રજુ કરવા સમય અપાયો હતો જે આધારો યોગ્ય નહીં જણાતા દબાણ પુરવાર થયું હતું. જ્યારે ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવતા ટ્રીબ્યુનલમાં જવાની મહેતલ આપેલ જ્યારે ટ્રીબ્યુનલમાં મનાઈ હુકમ નહીં અપાતા સીટી સર્વે કચેરી દ્વારા અંતીમ ૨૦૨ નં.ની નોટીસની મુદત તા. ૨૫ નવેમ્બરે પુર્ણ થતી હોય આજે સવારે સાતનાં ટકોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન ખુલ્લી કરવા ટીમ પહોંચી હતી અને નવાપરા કબ્રસ્તાન વાળા રોડને બન્ને બાજુથી બેરીકેટ બાંધી બંધ કર્યા બાદ દબાણ હટાવવાની કામગીરી આરંભી હતી જેમાં કાચા પાકા ૨૭ દબાણો દુર કરી સરકાર હસ્તકની ૩૫૦૦ ચો.મી. જમીન શાંતિમય રીતે ખુલ્લી કરાઈ હતી. જેમાં ગેરેજ, ભંગાર વગેરે અને દરગાહ તેમજ તાજીયા કમીટીની ઓફીસનો પણ સમાવેશ કરાયો હતો.

ડિસેમ્બર 2023 માં કોર્પોરેશનને સીવીક સેન્ટર માટે જમીન માંગી હતી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીવીક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર) બનાવવા માટે તા. ૧૯-૧૨-૨૩ના રોજ જમીન આપવા કલેકટર સમક્ષ માંગણી કરી હતી. જેના પગલે નવાપરા વાળી જમીનનું દબાણ દુર કરવાની કાર્યવાહી આરંભાઈ હતી. જેને નવ માસ જેટલા સમયબાદ અંતે સરકારી તંત્રએ લીગલી કાર્યવાહી બાદ અંતે આજે ખુલ્લી કરી કબ્જો મેળવ્યો હતો. આગામી સમયમાં આ જગ્યા પર સીવીક સેન્ટર બને તેવી સંભાવના છે.202 ની અંતિમ નોટીસ 27 આસામીઓને અપાઈ હતી
ભાવનગર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૦૨ મુજબ ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ, કિસ્મત ફર્નીચર સાજીદભાઈ, સોલંકી સ્પેર પાર્ટસ ઈરફાનભાઈ, ન્યુ આદર્શ મોટર ગેરેજ સાજીદભાઈ, આર.એ. ઓટો સલીમભાઈ, યુનિક મોટર મુન્નાભાઈ, સનરાઈઝ ગેરેજ અલીભાઈ, ન્યુ એ-૧ બોડી વર્ક્સ સોહિલભાઈ, શેખ મોટર અઝરૂદીનભાઈ, જેતી મોટર ફારૂકભાઈ, ન્યુ અમદાવાદ જંમ્પર મોહસીનભાઈ, અકશા ફ્રેમીંગ ચાંદભાઈ,, સમીર ગેરેજ સમીરભાઈ, અમદાવાદ સોક્સ મોહસીનભાઈ, ફારૂકભાઈ બટેટાવાળા, અમીત ઈલેકટ્રોનિક્સ, ખુશ્બુ મોટર, ખોડીયાર સાયકલ રીપેરીંગ, મીત ઓટો ગેરેજ, ભાણાભાઈ ગેરેજ, નેશનલ એકસલ ફારૂકભાઈ, કિસ્મત કોર્નર,કે.જે.એન. મોટર જુનેદભાઈ, સુન્ની હુસેની તાજીયા કમીટી,દરગાહ, રસુલભાઈ વાયરીંગવાળા, હિદાયતભાઈ આમ કુલ મળી ૨૭ દબાણો સામેકાર્યવાહી કરવામાં આવી હતી.

