ભાવનગર : જ્ઞાનમંજરી યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા નવીનતમ વોટર ફિલ્ટર સિસ્ટમ વિકસાવી છે, જે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં અસરકારક પરિણામ આપે છે. આ આવિષ્કાર ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં સ્વચ્છ પાણીની સમસ્યા હલ કરવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ અનોખી સિસ્ટમમાં એક્ટિવેટેડ ચારકોલ, નાળઇયેરના ખોળના તત્વો, રેતી, કંકર અને સરગવાના બીજનો અર્ક જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કર્યો છે. આ બધા ઘટકો પાણીમાંથી હાનિકારક રસાયણો, બેકટેરિયા અને દુર્ગંધને દૂર કરે છે અને પાણીની ગુણુવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે. આ વોટર ફિલ્ટર સિસ્ટમ સસ્તી, ટકાઉ અને સરળ રીતે જાળવી શકાય તેવી છે, જેથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આવી ટેકનોલોજી દરેક ગ્રામ પંચાયત અને શાળા સ્તરે પહોંચાડવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ પાણીનો પ્રશ્ન હલ થઇ શકે છે. બાયોટેકનોલોજી વિભાગના વડા ડો.ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માનવ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવવાનો છે. આ પ્રોજેક્ટના પરિણામો બતાવે છે કે આ ફિલ્ટર સિસ્ટમ દ્વારા વેસ્ટવોટરનું ૯૦ ટકા સુધી શુદ્ધિકરણ શક્ય બને છે, જેમાંથી મેળવનારૂં પાણી બાગાયતી, ઉદ્યોગિક તેમજ ઘરેલું ઉપયોગ માટે યોગ્ય બને છે.

