રાણપુર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી કપાસની આડમાં ઉગાવેલા લીલા ગાંજાના ૯૩ જેટલા છોડ ૧૯૮ કિલોગ્રામ રૂ.૯૯ લાખની કિંમતના સાથે એક શખ્સની ધરપકડ કરી તેના વિરૂધ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ બોટાદ તાલુકાના ગ્રામ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે, રાણપુર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં કપાસના છોડની આડમાં ગાંજાનું વાવેતર કરેલું છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખરાઇ કરી વાડીને કોર્ડન કરી દરોડો પાડયો હતો અને ખેતરમાં તપાસ હાથ ધરતા કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ અધિકારીઓએ કુલ મળી ગાંજાના લીલા છોડ ૯૩ જેનું વજન ૧૯૮ કિલોગ્રામ કિંમત રૂ.૯૯ લાખના જથ્થો સાથે વાડી માલિક અજીતસિંહ બારડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અજીતસિંહ બારડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી સંખ્યામાં ગાંજાનું વાવેતર કોના ઈશારે થતું હતું અને ગાંજો ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે રાણપુર પોલીસ મથકના પીઆઇ એસ.એ.પટેલે સમર્થન આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલ શખ્સ કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતો હતો. તદ્ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે અજીતસિંહ બારડ વિરૂદ્ધ એનડીપીએસની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

