પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ઘરકામ બાબતે મેણા ટોણા મારી ઢીકા પાટુ નો માર મારતા હતા આ ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલ ની ટિકડીયો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હતો.

ભાવનગર શહેરના બાપેસરા કુવા હનફિયા મસ્જિદ પાસે રહેતા રૂકસાદબેન અમીનભાઈ મીરાના લગ્ન વર્ષ ૨૦૨૫માં અમીન મીર સાથે થયા હતા. લગ્ન દસ દિવસ સુધી ઘર સંસાર બરાબર ચાલ્યો હતો. પતિ અમીન, સસરા અયુબ મીર, સાસુ વહીદાબેન અને દિયર અબ્દુલ્લાએ પોત પ્રકાશવાનું ચાલુ કર્યું હતું અને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા અને રૂકસાદબેન સાથે મારઝુડ પણ કરતા હતા. રૂકસાદબેન પિયર પણ જવા દેતા ન હતા. પતિ સહિતના સાસરિયાંઓ ઘરકામ બાબતે મેણા ટોણા મારી ઢીકા પાટુનો માર મારતા હતા. દરમિયાનમાં પરિણીતા પોતાના પિયર ખરકડી ગામે જતા રહ્યા હતા. આમ, પરિણીતાને સાસરિયાંઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતા રૂકસાદબેનએ પોતાના પિયરમાં ઘરમાં પડેલી ફિનાઈલની ટીકડીઓ ખાઈ લીધી હતી. પરિણીતાને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે રૂકસાદબેનએ સાસરિયા વિરુદ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

