સિહોર નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. એક સમયે વિપક્ષ-અપક્ષના સભ્યોએ ભારે હંગામો મચાવી ડાયસ ઉપર ચડી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સિહોર પાલિકાની આજે મંગળવારે મળેલી સામાન્ય સભામાં કારોબારી, બાંધકામ, વોટર વર્કસ, ટાઉન પ્લાનિંગ, આરોગ્ય, દિવાબત્તી સહિતની સમિતીના ચેરમેનો-કમિટરીઓની બિનહરીફ વરણી કરાઈ હતી. સભામાં વિપક્ષના નેતા દ્વારા તા.૨૭-૩ના રોજ મળેલી કારોબારીમાં વોટર સમિતિના રૂા.૩,૦૭,૭૩૧ અને ઈલેક્ટ્રિક ખાતાના રૂા.૧,૫૨,૭૭૦ના બિલો મૂકીને પાસ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. ગત સભામાં લીધેલા મુદ્દાઓના વિગતવાર ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાનો અને પાછલા દરવાજેથી ખોટા મુદ્દાઓ ઘૂસેડી દેવામાં આવતા છે. સત્તાધીશો દ્વારા મામકાઓની ભરતી કરવામાં આવે છે. લેગેસી વેસ્ટની કામગીરી સોંપેલ એજન્સીને દોઢ કરોડ જેવી માતબર રકમના બિલ ચૂકવાઈ ગયા છે, તેની સામે કામગીરી સંતોષકારક ન હોય, એજન્સીની માત્ર પાંચ લાખની ડિપોઝીટ જપ્ત કરાઈ છે. દોઢ કરોડની રિકવરી કરવામાં પાલિકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ચાર માસમાં જેસીબીના પાંચ લાખથી વધુ રકમના ૩૬ બિલો અંગે પણ વિપક્ષ-અપક્ષના સભ્યોએ હોબાળો મચાવતા સભા તોફાની બની હતી.

