ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ હોય અને પિયર ગયેલ તેની પત્નીને તેડવા આવીશ તો જીવતો નહીં રહેવા દેવાની સસરાએ ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ભાવનગરના નિર્મળનગર,શેરી નં. ૯, પ્લોટ નં.૩૫ ભાવુભાના ચોક પાસે રહેતા અને જીઓ માર્ટમાં કુરિયર સવસનું કામ કરી ગુજરાન ચલાવતા રાહુલભાઈ દીપકભાઈ વાઘેલાએ મોરબીમાં રહેતા નિલેશભાઈ આગેચણીયાની દીકરી પ્રિયાબેન સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા અને હાલમાં પત્ની પ્રિયાબેન પિયરમાં હોય રાહુલભાઈએ ભૂતકાળના મનદુઃખ ભૂલી જવા અને પોતાની પત્ની પ્રિયાબેનને ઘરે મોકલી આપવા વિનંતી કરી હતી.

જોકે, તેમના સસરા નિલેશને આ વાત પસંદ ન હતી. તદ્ઉપરાંત સસરા નીલેશે ફોન પર ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને રાહુલભાઈને ધમકી આપી હતી કે, મારી દીકરીને ભૂલી જજે અને મોરબીમાં આવતો નહીં. જો તું મારી દીકરીને લેવા આવીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ, તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. સસરા નિલેશએ આપેલી ધમકીથી લાગી આવતા રાહુલભાઈએ ફિનાઇલ પી લેતા તેમને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે રાહુલભાઈએ તેના સસરા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાહુલભાઈની પત્ની પ્રિયાબેનનો ફોન આવ્યો હતો અને પ્રિયાબેનએ જણાવ્યું કે, તે આવવા માંગે છે, પરંતુ તેના પિતા નિલેશ તેને મોકલવા તૈયાર નથી અને છૂટાછેડાની વાત કરી રહ્યા છે, તેને પણ રાહુલભાઈ સાથે જ રહેવું છે અને આ વાતચીતથી રાહુલભાઈને ખૂબ જ લાગી આવ્યું હતું. રાહુલભાઈએ પોતાના ઘરે રાખેલું ફીનાઇલના ચાર-પાંચ ઘૂંટડા પી લીધાં હતા.

