ભાવનગર : મુળ પાલિતાણાના ઘેટી ગામના રહેવાસી અને સુરત સ્થાયી થયેલ પરિવાર દિવાળીની રજામાં માદરે વતન આવ્યો હતો. દરમ્યાન રમતા રમતા આઠ વર્ષનો ધ્યેય ટ્રેકટર પરથી પડી જતા સ્વરપેટીમાં ગંભીર ઈજા સાથે બેભાન થયેલ જેની સઘન સારવાર બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. જ્યારે તેના પિતાએ જ સામેથી અંગદાનની ઈચ્છા દર્શાવતા પોલીસ મદદ સાથે ગ્રીન કોરીડોરથી બે કીડની, લીવર અને આંખોનું દાન તબીબ ટીમે સ્વિકાર્યુ ંહતું. આ અંગદાન ભાવનગરનું સૌથી નાની વયનું હતું.

આ અંગે મળતી વિગતો મુજબ હાલ સુરત રહેતો પરિવાર દિવાળી વેકેશન પર માદરે વતન ઘેટી પાલીતાણા દાદાના ઘરે મજા માણવા માટે આવ્યો હતો. દરમ્યાન ગઈ તા. ૧૬ના રોજ ઘરે ટ્રેકટર પર બાળકો સાથે રમતા રમતા આઠ વર્ષનો ધ્યેય પરેશભાઈ લાઠીયા પડી જતા ગળામાં સ્વર પેટીમાં ઈજા થતા બેભાન થઈ ગયેલ જેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં શ્વાસમાં તકલીફ થતાં વેન્ટીલેટર પર અને એમ.આર.આઈ.માં મગજ સુધી પુરતો ઓક્સીજન ન મળતો હોવાનું સામે આવ્યુ ંહતું. ત્યાર બાદ ઘનિષ્ટ સારવાર બાદ તબીયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો તા. ૨૪ના રોજ ડો. રાજેન્દ્ર કાબરીયા (ન્યુરો સર્જન) દ્વારા તપાસી આ બાળકને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. દર્દીના પિતા વ્યવસાયે રેડીયોલ્જીસ્ટ ડોકટર હતા તેઓએ જાતે સામેથી પોતાના પુત્રના અંગદાન માટે ઈચ્છા દર્શાવી હતી. જ્યારે આજે લાભ પાંચમના દિવસે ધ્યેયની બન્ને કીડની, લીવર તેમજ બન્ને આંખોનું દાન ડોકટર ટીમે લીધું હતું. પોલીસના સહકાર સાથે દર્દીના અવયવોને ભાવનગરથી અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરીડોરની મદદથી પહોંચાડવામાં આવ્યા હતા. આમ દર્દી ધ્યેયના અવયવોથી પાંચ દર્દીને નવજીવન મળશે. ભાવનગરનું આ ૮૩મું અંગદાન રહ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી નાની વયનું અંગદાન હોવાનું જણાયું છે.

