સ્વચ્છતા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે અને જાગૃતી માટે કાર્યક્રમ કરાય છે છતાં કેટલાક આસામીઓ ગંદકી ફેલાવતા હોય છે, જેના કારણે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવતો હોય છે.

મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે સફાઈ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે અને ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોય છે. મહાપાલિકાની ટીમે ગત ઓગષ્ટ માસમાં શહેરના ૧૩ વોર્ડમાં તપાસ હાથ ધરી હતી અને જાહેરમાં ગંદકી ફેલાવતા ૯પ આસામી સામે કાર્યવાહી કરી કુલ રૂા. રપ,૧૭પ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમ માહિતી આપતા મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલએ જણાવેલ છે. મહાપાલિકા કાર્યવાહી કરી દંડ ફટકારે છે છતાં કેટલાક આસામીઓ સુધરતા નથી ત્યારે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. જાહેરમાં ગંદકી ફેલાવવાના કારણે રોગચાળો ફેલાતો હોય છે.
જાહેરમાં કચરો સળગાવવાનો માત્ર એક કેસ !
ભાવનગર શહેરમાં કેટલાક લોકો જાહેરમાં કચરો સળગાવતા હોય છે પરંતુ મહાપાલિકાને કચરો સળગાવતા લોકો દેખાતા નથી અથવા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેમ જણાય રહ્યુ છે. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગત ઓગષ્ટ માસમાં કચરો સળગાવતા માત્ર ૧ આસામી સામે કાર્યવાહી કરી રૂા. પ૦૦ નો દંડ વસુલી સંતોષ માન્યો છે. જાહેરમાં કચરો સળગાવતા પ્રદુષણ ફેલાતુ હોય છે ત્યારે મહાપાલિકાએ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે.
ગંદકી ફેલાવતા લોકો પાસેથી દંડ વસુલાશે : અધિકારી
ભાવનગર શહેરમાં ગંદકી ફેલાવતા અને જાહેરમાં કચરો સળગાવતા લોકો પાસેથી નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહ્યો છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેેશે ત્યારે લોકોએ નિયમનુ પાલન કરવુ જરૂરી છે તેમ માહિતી આપતા મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલએ જણાવેલ છે.

