ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોર લેનનું કામ હજુ પૂરું થયું નથી તે વચ્ચે ટોલ ટેક્ષ શરૂ કરાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો- વાહન માલિકોએ ટોલ નાકે ધસી જઈને ‘કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો’સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલી શકાય નહીં તેવી રજુઆત કોંગ્રેસે પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ખાવડાને જોડતો નેશનલ હાઈવે જર્જરિત હોવા છતાં ટોલ વસુલાય છે. તેવામાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરી દેવાયા છે જેના પગલે વાહન માલિકો રોષે ભરાયા છે.

કચ્છમાં નેશનલ હાઈવે ૩૪૧ નું કામ હજુ અધુરું છે. તેમ છતાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેનો કચ્છના ટ્રક ચાલકો, નાના વાહન માલિકોએ વિરોધ કરી રહ્યા છે. જયાં સુધી રેલડી ફાટક ઉપર બ્રીજનું કામ પૂર્ણ ન થાય તેમજ વરસામેડી બાજુનો બ્રીજ પૂરો ન થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ શરૂ ન કરવા માંગણી છે.
નેશનલ હાઈવેનું જે કામ થયું છે તેમાં પણ નબળી કામગીરી કરવામાં આવી છે. હજારો જગ્યાએ પેચવર્ક કરવું પડયું છે અને અત્યારે આ રોડ ૧૦ વર્ષ જૂનો હોય તેવું જણાય છે. રોડની કામગીરી એટલી હદે નબળી છે કે અત્યારે સ્પીડથી વાહનો ચલાવે તો ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે અને રોડ ઉપર સતત વાહનો ઉછળી રહ્યા છે.
આ રસ્તાનું કામ માંડ એક જયાં પૂર્ણ થાય ત્યાં બીજીતરફ રીપેર કરવાની જરૂર પડે છે. તેમજ રેલડી ફાટક બીજો ભુજોડી ફાટક ન બની જાય તેની પણ ચિંતા છે. જયાં જયાં ઓવરબ્રીજો બનાવેલ છે અને સર્વિસ રોડ આવેલા છે તે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી નથી. કચ્છ કોંગ્રેસના પ્રમુખ વીે.કે. હુંબલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કચ્છમાં ટોલ ટેક્ષની મોટી આવક સરકારને થાય છે ત્યારે સરકારે કચ્છમાં નોંધાયેલા તમામ નાના મોટા વાહનો પાસેથી ટેક્ષ વસુલે નહિં અને ટેક્ષમાંથી મુક્તિ આપે તેવી માંગણી કરી છે. વધુમાં, આ રસ્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને રાહત થાય તે દિશામાં સાંસદ- ધારાસભ્યને સરકારમાં રજુઆત કરવા આહ્વાન કર્યું છે.
દરમિયાન, આજરોજ કુકમા અને વરસામેડી ખાતે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.

