દિનદયાળ પોર્ટ આથોરિટીમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવામાં ન આવી હોવાથી અનેક વખતની ચર્ચાઓ, મિટિંગો અને વાયદાઓ બાદ આખરે અચોક્કસ મુદતના ધરણા કરવાનું એલન કરવામાં આવ્યું હતું. જે ધારણા પ્રદર્શનને ૩ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવતા આંદોલનકારીઓની હાલત કફોડી બની છે. એક મહિલાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને ડીપીએમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોએ આક્ષેપો સાથે જણાવ્યુ હતું કે, પોર્ટ સમક્ષ અનેક રજૂઆતો કરી છે છતાં પોર્ટ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. તા. ૨૯-૧૧થી વારસદારો દ્વારા ભૂખ હડતાલ શરૂ કરી છે અને આ ભૂખ હડતાળમાં ૧૩ લોકો જોડાયા છે. ભૂખ હડતાલના ત્રીજા દિવસે પોર્ટ પ્રશાસન અને રામબાગ હોસ્પિટલના સત્તાધીશોને લેખિત અરજી આપ્યા છતાં ભૂખ હળતાલમાં બેઠેલા વ્યક્તિઓની રોજે રોજની જે બે ટાઈમ તપાસણી કરવામાં ન આવતી હોવાથી એક બહેનની તબિયત લથડતા તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિનદયાળ પોર્ટ આથોરિટીમાં મૃતક કર્મચારીઓના વારસદારોએ અનેક રજૂઆતો બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા નોકરી આપવામાં આવતી નથી અને મૃતક વારસદારો સાથે અન્યાયી વલણ દાખવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. અગાઉ અનેક રજૂઆત બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા ગત વર્ષે આંદોલન બાદ ૧૭ લોકોને નોકરી આપવામાં આવી હતી પણ હજુ ગંભીર પ્રશ્ન એ છે કે ૪૪૦ વારસદારો બાકી છે. જે રોજગારીથી વંચિત છે તેમને ન્યાય મળ્યું નથી. જેથી હવે ન છૂટકે કોઈ ઉગ્ર આંદોલન, રોડ-રસ્તા કે કચેરીની તાળાબંધી સહિતનું પગલું ભરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

