તાજેતરમાં માર્ગ અકસ્માતના એક બનાવમાં લોહાણા સમાજના અગ્રણી મહિલાનું મૃત્યુ નિપજયું છે. ભુતકાળમાં પણ આવા નાના મોટા બનાવો બન્યા છે. મુંદરા પંથકમાં સામાન્ય અકસ્માતના બનાવો તો સામાન્ય બન્યા છે. છેલ્લા ઘણા સમયથી મુંદરા તાલુકાના ખાસ કરીને કપાયા તેમજ પ્રાગપર ચોકડીથી ભુજના રોડ ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ભારે વાહનોની સતત અવરજવરની સાથે સાથે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.

મુંદરા તાલુકાના ધોરીમાર્ગો પર દરરોજ હજારોની સંખ્યામાં ભારે વાહનોની અવર જવરને લીધે નાના દ્વિચક્રી વાહનોને નીકળવું ભારે પડી રહ્યું છે. પ્રાગપર ચોકડી પાસે સ્પીડ બ્રેકરના અભાવે આડેધડ વાહનો હંકારાય છે. મુંદરાથી મોટા કપાયા અને પ્રાગપર ચોકડી તેમજ ગુંદાલા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલીંગ થાય તે ઈચ્છનીય છે. તેમજ અરટીઓ તંત્ર દ્વારા ભારે વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવે તો ઓવરલોડ, ગાડીમાં રીફલેક્ટર, પીયુસી સર્ટી, તેમજ ઘણા બધા નિયમોનો ભંગ જોવા મળી શકે છે. જેના કારણે અકસ્માતોનો ભોગ સામેવાળાને બનવું પડે છે.
ખાસ કરીને રાત્રીના સમયે સાઈડ સિગ્નલ વગર રોડની વચ્ચે ઉભેલા વાહનો તેમજ ક્યારેક ક્યારેક જિંદાલ તેમજ અદાણી પરથી લોખંડની પ્લેટો ભરીને આવતા વાહનોમાં બંને સાઈડમાં મસમોટી પ્લેટો રહેતી હોવાના કારણે ક્યારેક મોટો ગમખ્વાર અકસ્માત બને તે પહેલા સઘન ચેકિંગ કરી દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ.
- પ્રાગપર ચોકડીથી ભુજ તરફના માર્ગ પર આડેધડ ઉભા રહેતા ટ્રેલરો ક્યાંક મોટો અકસ્માત ન નોતરે!!
માંડવી તેમજ ભુજ જવાના મુખ્ય ત્રિભેટ એવા પ્રાગપર ચોકડીના પુલીયા નીચે ટ્રાફિક સમસ્યા ખુબ જ ગંભીર બની છે. ખાસ કરીને રોડની બંને સાઈડમાં રાત્રીના સમયે મસમોટા કન્ટેનર ભરેલા ટ્રેલરો જ્યાં ત્યાં પાર્ક કરી દે છે. જેના ીધે નાના વાહન ચાલકોને ખુબ જ તકલીફ ઉભી થાય છે. સાથે રોડની વળાંકમાં મસમોટા ખાડાઓ હોવાને લીધે કન્ટનર ટ્રેલરો નીકળે છે ત્યારે પલટી તો નહીં ખાયને ? તેવો ભય નાના વાહન ચાલકોને રહે છે. આ ઉપરાંત નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પણ રાત્રીના સમયે સૌથી વધુ પરેશાની ભોગવવી પડે છે. પોલીસતંત્ર કે આર.ટી.ઓ. દ્વારા જો સઘન ચેકીગ થાય અને નિયમોને નેવે મુકતા ચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ છે.
- વળાંક પાસે ટ્રેલરો જ્યાં જ્યાં પાર્ક કરાય છે તે મસમોટા ખાડાને લીધે ક્યાંક પલટી જવાનો ભય…
- પ્રાગપર ચોકડી સૌથી વધુ અકસ્માત ઝોન હોવાથી ઓવર બ્રીજ બનાવવો જરૂરી
મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી જંકશન પાસે ચારે બાજુંથી વાહનોની અવર જવર તેમજ ત્યાં પાસે સર્કલ પણ નહીં હોવાથી વાહન ચાલકો પોતે પણ અસમંજસમાં મુકાત હોય છે ત્યારે આ રોડ ઉપર વધારાનો ઓવરબ્રીજનું નિર્માણ થાય તો પોર્ટ ઉપર જવાવાળા ભારે વાહનો ડાયરેક્ટ ઉપરથી જ નીકળી જાય.

