SURAT : કાળા જાદુથી પરિણીતાને વશમાં રાખી ભુવા દ્વારા અવારનવાર દુષ્કર્મ

0
75
meetarticle

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મૂળ બોટાદની 25 વર્ષની પરિણીતા ઉપર કાળો જાદુ કરી તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી બોટાદના ચિરોડામાં મઢ ધરાવતા ભુવાએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.છેલ્લા પાંચ દિવસથી પરિણીતા ભુવા પાસે હોય તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે 52 વર્ષના ભુવાને વિધિ માટે બોલાવી વશમાં કર્યા બાદ પરિણીતાને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી.આથી અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ સંતાન સુખ નહીં મળતા અને પિતૃદોષ પણ હોય તેની વિધિ માટે પરિણીતા પતિ સાથે ગત જાન્યુઆરી 2024 માં બોટાદ ગઢડાના ચિરોડામાં મઢ ધરાવતા અને પોતાને હનુમાન ભક્ત ગણાવતા ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીને ત્યાં ગઈ હતી.ગંગારામે વિધિ શરૂ કરી હતી.પણ સાથે તેણે કાળો જાદુ કરી પરિણીતાને વશમાં રાખવાનું પણ શરૂ કર્યું હતું.બાદમાં પરિણીતાને તે એકલો બોલાવતો હતો અને વિધિના બહાને તેની સાથે છૂટછાટ લેવા લાગ્યો હતો.બે અઠવાડીયા અગાઉ પરિણીતા વિધિ માટે ચિરોડા રોકાઈ હતી ત્યારે ગંગારામે દુષ્કર્મ આચરી બાદમાં ગત ત્રીજી અને પાંચમીએ ફરી દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા પાંચ દિવસથી ચિરોડા રોકાયેલી પરિણીતા પરત નહીં આવતા તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરી હતી.અડાજણ પોલીસે ભુવા ગંગારામને સુરત બોલાવવા માટે છટકું ગોઠવ્યું હતું અને વિધિના બહાને તેને સુરત બોલાવ્યો ત્યારે તે પરિણીતાને સાથે લઈને આવ્યો હતો.પોલીસે તેને ઝડપી લીધો ત્યારે પણ પરિણીતા તેના કાળા જાદુના વશમાં હતી.પોલીસે ભુવા પાસે કાળો જાદુ દૂર કરાવી પરિણીતાને પૂછતાં તેણે તમામ હકીકત જણાવી હતી.એટલું જ નહીં તેઓ સુરત આવતા હતા ત્યારે પણ ભુવા ગંગારામે લકઝરી બસમાં રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું.અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા ગંગારામ વિરુદ્ધ દુષ્કર્મ અને નવા ગુજરાત માનવ બલિદાન નિવારણ અને નાબુદી અને અન્ય અમાનવિય દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ અધિનિયમ-2024ની શેડ્યુલ-2 ની કલમ-3 (બી) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.52 વર્ષીય ગંગારામ બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here