રખડતા ઢોર અને ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓને રાજકીય પક્ષો દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆત DCP સફિન હસન દ્વારા કરવામાં આવી હતી જેઓ એક યુવાનને ટ્રાફિક નિયમ ભંગ બદલ FIR નોંધાવવાને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. આ મામલાની ગંભીરતાને જોતા, હાઈકોર્ટ પોલીસ અધિકારી પાસેથી એફિડેવિટમાં સમગ્ર મામલાનો ખુલાસો અને રાજકીય પક્ષનું નામ આપવાનો આદેશ આપ્યો છે, જેથી કાયદાના શાસનનું ઉલ્લંઘન કરનારાઓને ખુલ્લા પાડી શકાય.
DCP સફિન હસનને ટાર્ગેટ કર્યાની રજૂઆત
આ ઘટના દર્શાવે છે કે, કાયદાનું પાલન કરાવતા પોલીસ અધિકારીઓને પણ રાજકીય દબાણનો સામનો કરવો પડે છે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કરવામાં આવ્યો છે. પરંતુ રાજકીય દબાણના આ અરોપે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. જો પોલીસ અધિકારીઓ ભય વગર કામ ન કરી શકે તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવી શકાય? આ સવાલ માત્ર કોર્ટ પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. હાઈકોર્ટનો આ આદેશ પોલીસ અધિકારીઓને ભવિષ્યમાં નિષ્પક્ષતાથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
ટ્રાફિક નિયમ ભંગ બદલ FIR નો વિવાદ
હાઈકોર્ટનો આ કડક વલણ સૂચવે છે કે, ન્યાયતંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરતા અધિકારીઓની સુરક્ષા માટે ગંભીર છે. હવે DCP સફિન હસન દ્વારા કરવામાં આવનાર ખુલાસા પર સૌની નજર છે. જો એફિડેવિટમાં રાજકીય પક્ષનું નામ જાહેર કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે અને કદાચ આ કિસ્સો ભવિષ્યમાં આવા દબાણો સામે લડવા માટે એક દાખલો બેસાડી શકે છે. આ સુનાવણીથી એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, રાજકીય દખલગીરીને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને કાયદો સર્વોપરી છે.


