દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ હતી. જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સ્વ.અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ તેમના માદરે વતન પીરામણ ગામના કબ્રસ્તાનમાં પણ પરિવારજનો અને આગેવાનોએ તેમની કબર પર ફૂલોની ચાદર ચઢાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમના રાષ્ટ્ર નિર્માણ અને ભરૂચ જિલ્લાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું.
અહેમદ પટેલ માત્ર રાજકારણી જ નહીં પરંતુ એક સાચા સમાજસેવક પણ હતા. તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના સેવાકીય કાર્યોને યાદ કરતાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ આસિફ પટેલે જણાવ્યું હતું, કે અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા GIDC જેવી ઔદ્યોગિક વસાહતો અહેમદ પટેલની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આ ઉદ્યોગો થકી લાખો લોકોને આજે રોજગારી મળી રહી છે, જે તેમના પ્રત્યેક કાર્યકરો માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, શકીલ રાજ, રઘુવીર સિંહ ચૌહાણ, અસ્લમ રાજ, ફિરોઝ રાજ, જાબિર પટેલ, હસન ભટ્ટી, પ્રજય રાવલ, મકસુદીન રાણા, વસીમ સેહરી, અય્યુબ કલમ, વસાવા ચંદુ ભાઈ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દર્શાવે છે કે અહેમદ પટેલ આજે પણ ભરૂચ જિલ્લાના લોકોના હૃદયમાં જીવંત છે.
રિપોર્ટર: સૈફ અલી ભટ્ટી વાગરા


