દ્રશ્યમ થ્રી’નું મલયાલમનું શૂટિંગ પૂર્ણ પણ થઈ ગયું છે જ્યારે હિંદીનાં હજુ ઠેકાણાં નથી. અજય દેવગણ પોતાની આ હિટ ફ્રેન્ચાઈઝીને છોડી ફાલતુ ફિલ્મોમાં સમય બરબાદ કરી રહ્યો હોવાથી તેના ચાહકો પણ ભારે નારાજ છે.

‘દ્રશ્યમ’ ફિલ્મનો પહેલો અને બીજો ભાગ બંને મલયાલમમાં પહેલાં બનીને રીલિઝ થઈ ગયો હતો અને હિંદીમાં બાદમાં રીલિઝ કરાયો હતો. આથી અજય દેવગણે ત્રીજા ભાગ માટે બંને ભાષામાં સમાંતર શૂટિંગ ચાલે તેવું નક્કી કર્યું હતું.
જોકે, હિંદીના નિર્માતાઓએ મૂળ મલયાલમના સર્જકોને જાણ કર્યા વિના રીલિઝ ડેટ સહિતની વિગતો જાહેર કરી દેતાં મલયાલમના સર્જકો રોષે ભરાયા હતા અને તેમણે એડોપ્શન કરારનો ભંગ કરવા બદલ હિંદીના નિર્માતાઓને નોટિસ પણ આપી હોવાનું કહેવાય છે. તે પછી મલયાલમનું શૂટિંગ ફટાફટ ચાલ્યું હતું જ્યારે અજય દેવગણ બીજી ફાલતુ ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો હતો. સાઉથની ઈન્ડસ્ટ્રી વધારે શિસ્તબદ્ધ હોવાથી ત્યાં એકપણ દિવસ વેડફાયો ન હતો. મોહનલાલે ગયાં સપ્તાહે જ પોતાનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે અજય દેવગણ તરફથી હિંદી ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ શરુ થવા બાબતે કોઈ ઓફિશિયલ અપડેટ નથી

