લાપત્તા લેડીઝ’ જેવી દેશવિદેશમાં વખણાયેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે સૌની પ્રશંસા મેળવનારી નિતાંશી ગોયલે હવે સાજિદ ખાન જેવા કોઈ સ્તર વગરની અને નિમ્ન કોટિની મસાલા ફિલ્મો બનાવનારા ડાયરેક્ટરની ફિલ્મ અને તે પણ ગોવિંદાના દીકરા યશવર્ધન સાથે હિરોઈન તરીકે સ્વીકારતાં તે ભારે ટ્રોલ થઈ રહી છે.

નિતાંશીએ ‘લાપત્તા લેડીઝ’ પછી એવી વાતો કરી હતી કે પોતે ફિલ્મોની પસંદગીમાં ધ્યાન રાખશે. તેને તે પછી કેટલાક પ્રોજેક્ટ મળ્યા પણ ખરા પરંતુ તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ આગળ વધી શક્યા નથી. તેના કારણે હતાશામાં આવી જઈને તેણે ‘ હન્ડ્રેડ ‘ નામની આ ફિલ્મ સ્વીકારી લીધી છે તેમ ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયાની વાત પ્રસરતાં ઓનલાઈન ચાહકોએ તેને ભારે ટ્રોલ કરી હતી.
લોકોએ કહ્યું હતું કે નિતાંશી હજુ લાંબા સમય સુુધી રાહ જોઈ શકી હોત. સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળ અને ગોવિંદાનો દીકરો યશવર્ધન હીરો હોય તેવી મસાલા ફિલ્મ સ્વીકારવાની તેણે કોઈ જરુર ન હતી. મી ટૂ મુવમેન્ટ વખતે કેટલીય હિરોઈનોએ સાજિદ ખાન પર આરોપો કર્યા હતા. તેને પગલે બોલિવુડે સાજિદનો બહિષ્કાર કરી દીધો હતો. હવે સાત વર્ષ પછી તે પુનરાગમન કરી રહ્યો છે.

