19 માર્ચના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કમાણીના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આ ફિલ્મે તેની વિસ્ફોટક કમાણી સાથે શાહરૂખ ખાનની ‘જવાન’ અને ‘પઠાન’ તેમજ રણબીર કપૂરની ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. તમામ ભાષાઓમાં મળીને ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં વૈશ્વિક સ્તરે 499 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.

ભારતમાં બે દિવસનું તોફાની કલેક્શન
બોક્સ ઓફિસ ડેટા એનાલિસિસ ‘સેકનિલ્ક’ના રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર 2’ એ ભારતમાં શરૂઆતના બે દિવસમાં જ 226.27 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ આંકડો તાજેતરમાં રિલીઝ થયેલી અન્ય મોટી ફિલ્મોના બે દિવસના કલેક્શન કરતા ઘણો વધારે છે. ભારતમાં પહેલા બે દિવસનું ગ્રોસ કલેક્શન 269.39 કરોડ રૂપિયા નોંધાયું હતું, જ્યારે ત્રીજા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખતા 105 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવ્યું છે.
આંકડા જોઇ બોલિવુડ હતપ્રભ
ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણીના આંકડા ખુબ જ આશ્ચર્યજનક છે. ભારતમાં કુલ નેટ કલેક્શન: 339.27 કરોડ રૂપિયા નોંધાયું છે. ભારતમાં કુલ ગ્રોસ કલેક્શન 402.50 કરોડ રૂપિયા છે જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 499 કરોડ રૂપિયા છે. નિષ્ણાતોનું માનવું છે કે રવિવારના અંત સુધીમાં આ ફિલ્મ અગાઉના તમામ રેકોર્ડ્સ તોડીને નવો ઇતિહાસ રચશે.
વિદેશમાં પણ ‘ધુરંધર’ની બોલબાલા
જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા કોમસ્કોરે ઓવરસીઝ કલેક્શનના આંકડા શેર કર્યા છે. અમેરિકામાં 46.34 કરોડ, કેનેડા: 18.75 કરોડ, UK: 11.60 કરોડ, ઓસ્ટ્રેલિયા: 9.80 કરોડ, જર્મની: 2.82 કરોડ, ન્યૂઝીલેન્ડ: 1.25 કરોડ રૂપિયા ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પ્રદર્શનની વાત કરીએ તો ફિલ્મનું સૌથી વધુ વર્ચસ્વ હિન્દી ભાષામાં જોવા મળ્યું છે. અન્ય ભાષાઓની વાત કરીએ તો તેલુગુ: 6.30 કરોડ, તમિલ: 3.39 કરોડ, કન્નડ અને મલયાલમ વર્ઝનમાં ફિલ્મ હજુ 1 કરોડનો આંકડો પાર કરી શકી નથી.

