નિતેશ તિવારીની મચ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, ટીઝર રિલીઝ થયા બાદ એક્ટરે પુષ્ટિ કરી કે તે ફિલ્મમાં ડબલ રોલ ભજવી રહ્યો છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે.

‘રામાયણ’માં રણબીર કપૂરનો ડબલ રોલ
રણબીર કપૂરે નિતેશ તિવારીની ‘રામાયણ’માં ડબલ રોલને કન્ફર્મ કર્યો છે. તે ભગવાન રામના પાત્ર ઉપરાંત ભગવાન પરશુરામના પાત્રમાં પણ દેખાશે, જે રામ પહેલા વિષ્ણુનો અવતાર હતા. જોકે, ફિલ્મમાં પરશુરામનો રોલ નાનો હશે. ટીઝર રિલીઝ થયા બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું કે, ‘મેં રામ અને પરશુરામના અલગ-અલગ સ્વભાવને બોડી લેંગ્વેજ અને અવાજ દ્વારા નિભાવ્યો છે.’ ટીઝર લોન્ચ દરમિયાન તેણે કહ્યું કે, ‘ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર હતા. ભગવાન રામ એક અવતાર હતા અને ભગવાન પરશુરામ રામ પહેલાનો અવતાર હતા.’
પરશુરામનું પાત્ર ભજવવું શાનદાર રહ્યું
રણબીરે આગળ કહ્યું કે, ‘મને ભગવાન રામનું પાત્ર ભજવવાની તક મળી, તો બીજી તરફ પરશુરામનું પાત્ર ભજવવું પણ શાનદાર રહ્યું. એક એક્ટર તરીકે બોડી લેંગ્વેજ ઉપરાંત જો તમે પાત્રોની આધ્યાત્મિકતા અને લાગણીઓને ઊંડાણપૂર્વક સમજો છો, તો બધું ત્યાંથી જ શરૂ થઈ જાય છે. રામાયણનું શૂટિંગ કરતા પહેલા એક વર્ષ પહેલા મેં આ જ પાત્રોને સમજવાનો પ્રયાસ કર્યો, તેઓ શેના માટે ઉભા હતા અને તેમનો હેતુ શું હતો.’ફિલ્મના ટીઝરમાં રામ અને પરશુરામ વચ્ચેના સંઘર્ષનો સંકેત આપવામાં આવ્યો છે, જેમ કે મહાકાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે – સીતા સાથે લગ્ન કર્યા પછી અયોધ્યા પાછા ફરતી વખતે રામની મુલાકાત પરશુરામ સાથે થાય છે. કથા પ્રમાણે પરશુરામ રામને યુદ્ધ માટે પડકાર આપે છે, પરંતુ યુદ્ધ થતું નથી કારણ કે તેમને ખબર પડે છે કે રામ પણ વિષ્ણુનો અવતાર છે.
ફિલ્મની કાસ્ટ
ફિલ્મ રામાયણને નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે. રાઈટર નિતેશ તિવારી, રવિ ઉદયવાર અને શ્રીધર રાઘવન છે. એક્ટર્સ રામ-રણબીર કપૂર, રાવણ-યશ, સીતા-સાઈ પલ્લવી, હનુમાન-સની દેઓલ, લક્ષ્મણ-રવિ દુબે, મંદોદરી-કાજલ અગ્રવાલ, કૈકેયી-લારા દત્તા, દશરથ-અરુણ ગોવિલ, શૂર્પણખા-રકુલપ્રીત અને શિવના રોલમાં મોહિત રેના છે. આ ફિલ્મ અંગ્રેજી સબટાઈટલ સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.

