હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે થયેલી છેડતીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મૌની રોયે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, આ ઇવેન્ટ દરમિયાન કેટલાક લોકોનું વર્તન અત્યંત શરમજનક અને અસહ્ય હતું. ખાસ કરીને દાદાની ઉંમરના બે વડીલોના વર્તનથી તે ભારે આઘાતમાં છે.

આ ઘટના અને જણાવતા મૌનીએ કહ્યું કે, ‘કાર્યક્રમ દરમિયાન જ્યારે હું સ્ટેજ તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક પુરુષો ફોટો પડાવવાના બહાને મારી પાસે આવ્યા અને વૃદ્ધે મારી કમર પકડી, જેનો મેં વિરોધ કરતા કહ્યું કે, ‘સર, તમારો હાથ હટાવો’, ત્યારે પેલા વડીલોને તે ગમ્યું નહીં.
સ્ટેજ પર અભદ્ર ઈશારા અને ટિપ્પણીઓ
મૌની રોયે પોતાની પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે, સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન પણ પરિસ્થિતિ ગંભીર હતી. બે વ્યક્તિઓ સ્ટેજની બિલકુલ સામે ઊભા રહીને તેને અશ્લીલ ઈશારા કરી રહ્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ સાથે ગાળો બોલી રહ્યા હતા. જ્યારે મેં તેમને નમ્રતાથી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મારા પર ગુલાબના ફૂલ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરવર્તણૂકથી કંટાળી હું એક સમયે સ્ટેજ છોડીને જતી રહી હતી, પરંતુ પ્રોફેશનલિઝમ જાળવવા હું પરત આવી અને મારું પરફોર્મન્સ પૂરું કર્યું હતું.
આયોજકો અને સુરક્ષાકર્મીઓની નિષ્ક્રિયતા
મૌની રોયે પોતાની આપવીતી જણાવતા ગંભીર આક્ષેપ કર્યો કે, સ્ટેજ ઊંચાઈ પર હોવાનો અયોગ્ય ફાયદો ઉઠાવીને કેટલાક લોકો નીચે ઊભા રહીને અત્યંત ખોટા અને અશ્લીલ એન્ગલથી તેના વીડિયો શૂટ કરી રહ્યા હતા. જ્યારે આ શરમજનક હરકત રોકવા માટે તેમને ટોકવામાં આવ્યા, ત્યારે તે શખ્સો સુધરવાને બદલે ઉલટાનું ગાળાગાળી કરવા લાગ્યા હતા. જાહેરમાં આટલી હદ સુધીની અભદ્ર વર્તન થઈ રહ્યું હોવા છતાં ત્યાં હાજર રહેલા આયોજકો કે સુરક્ષાકર્મીઓએ કોઈ પગલાં ન લીધા.
આયોજકોની ગંભીર બેદરકારી
એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, સૌથી વધુ પીડાદાયક બાબત એ હતી કે ઘટનાસ્થળે હાજર કોઈ પણ આયોજકે કે તે શખ્સોના પરિવારના સભ્યોએ તેમને રોકવાની કે ત્યાંથી હટાવવાની તસ્દી પણ લીધી નહોતી. જવાબદાર લોકોની આ નિષ્ક્રિયતાને કારણે મૌનીએ માનસિક રીતે ભારે અસુરક્ષા અને અપમાનનો અનુભવ કર્યો હતો. તેણે પ્રશાસન અને સમાજ સામે વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, જો આયોજકો જ કલાકારોની ગરિમા જાળવવામાં નિષ્ફળ જાય, તો જાહેર કાર્યક્રમોમાં મહિલાઓની સુરક્ષાની અપેક્ષા કોની પાસે રાખવી?
ન્યાયની માંગ અને સુરક્ષા પર સવાલ
આ ઘટનાથી માનસિક આઘાત અનુભવી રહેલી મૌની રોયે વહીવટીતંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેણે ચિંતા વ્યક્ત કરી કે જો તેની જેવી સ્થાપિત એક્ટ્રેસ સાથે આવું થઈ શકતું હોય, તો ઇન્ડસ્ટ્રીમાં નવી આવતી છોકરીઓની સુરક્ષાનું શું? તેણે સવાલ ઉઠાવ્યો કે શું આ લોકો પોતાની દીકરી કે બહેન સાથે આવું વર્તન સહન કરી શકે ખરા? મૌનીના મતે કલાકારોની ગરિમા સાથે આવું સમાધાન કોઈ પણ રીતે સ્વીકારી શકાય તેમ નથી.

